ઉષા વેન્સ ભારતીય મૂળના અમેરિકાના પ્રથમ સેકન્ડ લેડી બન્યાં
ઉષા વેન્સ ભારતીય મૂળના અમેરિકાના પ્રથમ સેકન્ડ લેડી બન્યાં
Blog Article
જેડી વેન્સે 20 જાન્યુઆરીએ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા પછી તેમની પત્ની ઉષા વેન્સ ભારતીય મૂળના અમેરિકાના પ્રથમ સેકન્ડ લેડી બન્યાં હતાં. 39 વર્ષીય ઉષાનો આ પદ સંભાળનાર સૌથી નાની વયની સેકન્ડ લેડીઝમાં સમાવેશ થાય છે.
જેડી વેન્સ વાઇસ પ્રેસિડન્ટના શપથ લીધા ત્યારે ઉષા વેન્ચ ગુલાબી કોટ પહેરીને એક હાથમાં બાઇબલ અને બીજા હાથમાં તેમની પુત્રી મીરાબેલ રોઝને લઇને બાજુમાં ઊભા હતાં. એક વકીલ તરીકે કાર્ય કરતા ઉષા વેન્સ ભારતીય ઇમિગ્રન્ટ્સની પુત્રી છે, તેમના માતાપિતાનું પૈતૃક ગામ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં વડલુરુ છે.
જુલાઇમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં ઉષા વેન્સે જણાવ્યું હતું કે “મારી પૃષ્ઠભૂમિ જેડી કરતાં ઘણી અલગ છે. હું સાન ડિએગોમાં ભારતમાંથી માઇગ્રેન્ટ થયેલા પ્રેમાળ માતા-પિતા અને એક બહેન સાથે મધ્યમ-વર્ગમાં ઉછરી છું. જેડી અને હું મળ્યા, પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા તે આ મહાન દેશની વિવિધતાનો પુરાવો છે.
ઉષા હિંદુ છે, જેમનો ઉછેર કેલિફોર્નિયામાં ભારતીય ઇમિગ્રન્ટ માતા-પિતા દ્વારા થયો છે.ઉષા અને વેન્સ અભ્યાસ દરમિયાન યેલ લો સ્કૂલમાં મળ્યા હતા અને બાદમાં કેન્ટુકીમાં 2014માં લગ્ન કર્યા હતા. વેન્સ દંપતીને ત્રણ બાળકો છે, જેમાં પુત્રો ઇવાન અને વિવેક, અને એક પુત્રી મીરાબેલનો સમાવેશ થાય છે. વાઇસ પ્રેસિડન્ટ માટે વેન્સની પસંદગી થયા પછી, ઉષાના હિંદુ મૂળ ટોક ઓફ ધ ટાઉન બની ગયા હતાં. વાન્સે અનેક પ્રસંગો પર કહ્યું છે કે તેની પત્ની ખ્રિસ્તી નથી.
……તો મે ઉષા વેન્સને વાઇસ પ્રેસિડન્ટ બનાવ્યા હોતઃ ટ્રમ્પ
ઉષા વેન્સની પ્રશંસા કરતાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે ઉષા ચિલુકુરી વેન્સને તેમના વાઇસ પ્રેસિડન્ટ તરીકે પસંદ કર્યા હોત કારણ કે તેઓ હોશિયાર છે, પરંતુ ઉત્તરાધિકારીની વ્યવસ્થા આ રીતે કામ કરતી નથી.
શપથગ્રહણ કર્યા પછી ટ્રમ્પે વેન્સ દંપતીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે “હું જેડીને ઘણા સમયથી ઓળખું છું. મેં તેમને ઓહાયોમાં સમર્થન આપ્યું હતું. તેઓ એક મહાન સેનેટર અને ખૂબ જ સ્માર્ટ છે. પરંતુ તેમના પત્ની વધુ સ્માર્ટ છે.
આ પછી ટ્રમ્પે જેડી તરફ જોયું અને કહ્યું, “મેં તેણીને પસંદ કર્યા હોત, પરંતુ ઉત્તરાધિકાર વ્યવસ્થાતે રીતે કામ કરતી ન નથી. બરાબર?. તેણીની મહાન છે અને તે મહાન છે. આ એક મહાન, સુંદર દંપતી છે અને અવિશ્વસનીય કારકિર્દી ધરાવે છે.